ભારતીય કંપનીઓ માટે ચાલુ નાણાકીય વર્ષનું બીજું ક્વાર્ટર ફાયદાકારક સાબિત થશે. કંપનીઓ બીજા ક્વાર્ટરમાં તેમની આવકમાં 8-10%ની વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. તદુપરાંત પ્રોફિટ માર્જિનમાં પણ વધારો જોવા મળશે તેવું રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું હતું. છેલ્લા ચાર ક્વાર્ટરમાં પ્રથમવાર આવકમાં વૃદ્ધિ જોવા મળશે.
ક્વાર્ટર દરમિયાન ઓટોમોબાઇલ, કન્સ્ટ્રક્શન તેમજ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સર્વિસ સેક્ટર્સનો આવકની વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો હશે. ગત જૂન ક્વાર્ટર દરમિયાન આવકમાં વાર્ષિક 7%ના દરે વૃદ્ધિ નોંધાઇ હતી. એજન્સીએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં બેન્કિંગ અને ઓઇલ સેક્ટર્સ સિવાયની 300 કંપનીઓને સામેલ કરવામાં આવી હતી.
કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી પ્રોડક્ટ્સ અને સર્વિસ સેક્ટર્સમાં આવકમાં વૃદ્ધિ ઉપરાંત ઓટોમોબાઇલ અને રિટેલ સેક્ટરમાં પણ આવકમાં વૃદ્ધિ થઇ હતી, જ્યારે માર્ગ અને રેલવે મંત્રાલય દ્વારા મૂડીખર્ચને કારણે કંપનીઓને કન્સ્ટ્રક્શન સેક્ટર્સમાં પણ ફાયદો મળ્યો હતો તેવું ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ અને એનાલિટિક્સના રિસર્ચ ડાયરેક્ટર અનિકેત દાણીએ જણાવ્યું હતું. જો કૃષિને લગતા સેક્ટર્સ જેમ કે ફર્ટિલાઇઝર, પેટ્રોકેમિકલ્સ અને કોમોડિટી, કેમિકલ્સ અને એલ્યુમિનિયમ સેક્ટર્સમાં નફામાં ઘટાડો ન થયો હોત તો વધુ મજબૂત રેવન્યૂ ગ્રોથ શક્ય હોત. કુલ આવકમાં 70% હિસ્સો ધરાવતા નવ સેક્ટર્સ આવકામાં વૃદ્ધિ નોંધાવશે.