ભારત વિશ્વમાં સર્વિસ સેક્ટરનું કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લા 18 વર્ષમાં ભારતની સર્વિસ એક્સપોર્ટ સરેરાશ 6 ગણી વધી છે. જેનાથી વૈશ્વિક સર્વિસિસની નિકાસમાં ભારતનો હિસ્સો બમણો થઈને 4.6% થયો છે. તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળ્યો અને રોજગારીનું સર્જન થયું.
ગોલ્ડમેન સાસનો અંદાજ છે કે ભારતની સર્વિસ નિકાસ 2024 અને આગામી વર્ષોમાં વાર્ષિક ધોરણે 12.4%ના દરે વધશે.અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2030 સુધીમાં ભારતની સર્વિસ એક્સપોર્ટ વાર્ષિક રૂ. 75 લાખ કરોડ સુધી પહોંચી જશે. દેશની સર્વિસિસ નિકાસ 2023માં રૂ. 28 લાખ કરોડને ક્રોસ કરી ચૂકી છે, જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ના 9.7% જેટલી છે. આગામી વર્ષોમાં ભારતની સર્વિસ નિકાસમાં વૃદ્ધિનું સૌથી મોટું કારણ ઊભરતાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCC) હશે. ગોલ્ડમેન સાસ આને ભારતીય અર્થતંત્ર માટે “સાનુકૂળ દૃશ્ય” ગણાવ્યું છે.
એનાલિસ્ટોનું કહેવું છે કે દેશમાંથી નિકાસ સતત વધી રહી છે જેની પાછળનું મુખ્ય કારણ ભારતમાં મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ પણ મજબૂત બની રહ્યો છે. દેશના નિકાસકારોને ફોરેક્સ માર્કેટનો સપોર્ટ છે. જોકે હજુ વિશ્વના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતી નબળી હોવાથી ધારણા મુજબની નિકાસ નથી પરંતુ આગામી સમયમાં વૈશ્વિક મજબૂત આર્થિક ગ્રોથ દેશની નિકાસને વેગ મળશે.