રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સોમવારે બપોરે 3.30 વાગ્યે નવી જંત્રીના મુદ્દે ફાઇનલ બેઠક બોલાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં 850થી વધુ વાંધા અરજીઓની સમીક્ષા કરાશે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, રૂડાના ટીપીઓ તથા રાજકોટ શહેર-ગ્રામ્ય કક્ષાની સમિતિના સદસ્યો ઉપસ્થિત રહેશે.
નવી જંત્રીના મુદ્દે વાંધા અરજીઓની સમીક્ષા બાદ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના વડપણ હેઠળની આ કમિટી દ્વારા આ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. તેમજ આ અંગેનો આખરી નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નવી જંત્રીના દર જાહેર કર્યા બાદ રાજકોટ સહિત રાજ્યભરમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. નવી જંત્રીના દરમાં તોતિંગ વધારાના વિરોધમાં બિલ્ડર્સ એસોસિએશને ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરાયો હતો.