પતંગ ઉડાડવામાં ઉપયોગમાં લેવાતી ઘાતક ચાઈનીઝ દોરી અને તેના જેવી કાચ, મેટલ, પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. તેના નિર્માણ, વેચાણ પર પ્રતિબંધ માટે કેન્દ્ર કાયદો બનાવવા અંગે વિચારી રહ્યું છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ ચાઈનીઝ દોરી પર પૂર્ણ પ્રતિબંધ માટે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986માં સંશોધન કરી જોગવાઈ નક્કી કરાવા સલાહ આપી છે. સરકાર પાસે આવી સલાહ અન્ય મંત્રાલયો તરફથી પણ આવી છે. જે અંગે કાયદા નિષ્ણાતો પાસેથી સલાહ લેવાઈ રહી છે.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી-એનસીઆરમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજીમાં ચાઈનીઝ દોરીથી 284 દુર્ઘટનાનું વર્ણન છે. તેમાં લોકોના ગળા કપાવાથી લઈને પક્ષીઓની પાંખો કપાવા અને ફસાઈને મરવા જેવા ઘણા કિસ્સાઓનું વર્ણન છે. રાજસ્થાન, પંજાબ-હરિયાણા અને બોમ્બે હાઈકોર્ટે પણ પ્રતિબંધના આદેશો આપ્યા છે, પરંતુ હજુ સુધી કાયદો બન્યો નથી.