વેગનર જૂથના પ્રમુખ યેવગેની પ્રિગોઝિન બેલારુસ પહોંચ્યા બાદ રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે કહ્યું છે કે, વિદેશોમાં ચાલી રહેલા વેગનર જૂથનાં ઓપરેશન પર કોઇ અસર થશે નહીં. હકીકતમાં રશિયાને આફ્રિકી દેશોમાં વેગનરના સૈન્ય ઓપરેશન કરતાં તેના કરોડો રૂપિયાના બિઝનેસ સામ્રાજ્યની ચિંતા છે. દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકી એક સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકન (સીએઆર) પૂર્ણ રીતે વેગનરના સકંજામાં છે. આ દેશને આફ્રિકી મહાદ્વીપમાં રશિયાની પ્રયોગશાળારૂપે ગણવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયા અને શેલ કંપનીઓની મદદથી વેગનર જૂથે અહીં સૌથી મોટા બિઝનેસમેન બનવામાં સફળતા હાંસલ કરી છે.
વેગનર જૂથ સીએઆરની સૌથી મોટી સોનાની ખાણમાંથી દર વર્ષે આશરે 2378 કરોડ રૂપિયાનું સોનું કાઢે છે. અહીંના ટિમ્બર બિઝનેસથી દર વર્ષે 44 કરોડની કમાણી થાય છે.
ગોલ્ડ માઇન : હેવી મશીનોથી વેગનરે બે વર્ષમાં ખાણ પ્રવૃત્તિ અનેકગણી વધારી
રાજધાની બાંગુઇથી 400 કિલોમીટરના અંતરે આવેલ ડેસ્સિમા ગોલ્ડ માઇનમાં બે વર્ષ પહેલાં સુધી હાથથી ખોદકામની પ્રવૃત્તિ ચાલતી હતી. સેટેલાઇટ ઇમેજથી જાણવા મળે છે કે હવે વેગનર અહીં હેવી મશીનરીથી કામ કરે છે. આ જૂથ અહીંથી વાર્ષિક 4.2 ટન સોનું કાઢી રહ્યું છે. જેની માર્કેટ કિંમત 2,378 કરોડ રૂપિયા છે. સુરક્ષા માટે હેલિકોપ્ટર તહેનાત કરાયા છે.