વિશ્વના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કને ગતિ આપવા માટે 14 હજાર એન્જિન સાથે ટ્રેનો ખેંચતા 60 હજારથી વધુ લોકો પાઈલટ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ 14 હજાર એન્જિનમાં ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો બેસવા માટે ખુરશીની. 12 કલાક તો ક્યારેક 14 કલાક ખડેપગે ડ્યૂટી કરવી પડે છે.
એક હજારથી વધુ મહિલા લોકો પાઈલટને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. માત્ર 97 એન્જિનમાં ટોઈલેટ છે. જ્યારે પણ ટ્રેન દુર્ઘટના થાય છે ત્યારે પાઈલટને જવાબદાર ઠેરવે છે, તેમની ખામીઓ શોધે છે, પરંતુ તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. દુર્ઘટના બાદ અધિકારીઓનું ધ્યાન આ સમસ્યાઓ તરફ જાય છે. થોડા દિવસો સુધી સુધારવાના પ્રયાસો થાય છે, પછી સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે.
2016માં માનવ અધિકાર પંચે એન્જિનમાં એસી અને ટોઈલેટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. રનિંગ સ્ટાફ તરફથી 9 કલાકથી વધુ સમય સુધી ડ્યૂટી ન લેવાની ગાઈડલાઈન આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો.