ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મંગળવારે તેની 100મી ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં એવા ત્રણ ખેલાડીઓ વિશે વાત કરી કે જેમની સામે તે બોલિંગ કરવાનું પસંદ કરે છે. આમાં તેણે ઇંગ્લેન્ડના બેટર જો રૂટ, ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથનું નામ લીધું અને કહ્યું કે, આ એરામાં તેઓ વિશ્વના શ્રેષ્ઠ બેટર્સમાં સામેલ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. આ મેચમાં અશ્વિન પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે.
એસ બદ્રીનાથ સ્પિનના શ્રેષ્ઠ બેટર્સમાંનો એક છે- અશ્વિન
અશ્વિને કહ્યું કે, જ્યારે હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતો હતો ત્યારે મને કેટલાક બેટર્સની સામે બોલિંગ કરવાનો મોકો મળ્યો જેઓ શાનદાર સ્પિન રમતા હતા. હું માત્ર કેટલાક ખેલાડીઓના નામ આપીશ. મેં ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ નેટ્સ દરમિયાન એસ બદ્રીનાથને બોલિંગ કરી હતી. મને લાગતું હતું કે તે સ્પિનના શ્રેષ્ઠ બેટર્સમાંનો એક હતો. તેમના સિવાય મિથુન મનહાસ અને રજત ભાટિયા પણ આ ખેલાડીઓમાં સામેલ છે.
અશ્વિને કહ્યું, જ્યારે તમે કહો છો કે હું T20 ફોર્મેટમાંથી આવ્યો છું તો તે સમજણનો અભાવ છે. મેં આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 30-40 સારી મેચ રમી છે. તે જ વર્ષે (2011માં) મેં મારી ટેસ્ટ ડેબ્યૂ કરી, મને ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા (ROI) ટીમ માટે ફાઈવર (5 વિકેટ) મળી. મેં ચેન્નઈમાં ક્લબ ક્રિકેટની 3-4 સિઝન રમી હતી. ક્લબ ક્રિકેટ રમતી વખતે 50 ઓવરની રમતમાં વિકેટ લઈને જ મેં CSKમાં પ્રવેશ મેળવ્યો હતો.