40 લાખનો વીમો પકવવાના કેસમાં મેડિકલ કાઉન્સીલે આકરા પગલાં લીધા છે, જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમર્પણ હોસ્પિટલના ડો. મનોજ સીદાનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે. રૂ.40 લાખનો વીમો પકાવવા મયૂર અને તેના ફિઝિયોથેરાપિસ્ટ ડો.અંકિત કાથરાણીએ કાવતરું ઘડ્યું હતું અને આ કાવતરામાં સમર્પણ હોસ્પિટલના ડો.મનોજ કેશુ સીદા તથા ડો.મેહુલ સોલંકીએ વરવી ભૂમિકા ભજવી હતી. જેમાં ડો.સીદાનું લાઇસન્સ જીએમસીએ સસ્પેન્ડ કરી દીધું છે.
થર્ડ પાર્ટી ઓડિટ કરતી એજન્સી ફોનિક્સ એસ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર ડો.રશ્મિકાંત પટેલે આ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સમર્પણ હોસ્પિટલના ડો.મનોજ સીદા અને ડો.મેહુલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ડો.પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રૂ.40 લાખનો વીમાનો દાવો કરનાર મયૂર છુછાંરને પેરેલિસિસ થયું છે તે જાતે ઊભો રહી શકતો નથી, ચાલવા માટે પણ સક્ષમ નથી તેવો રિપોર્ટ ઉપરોક્ત બંને તબીબોના નામથી આપવામાં આવ્યો હતો.
ડો.રશ્મિકાંત પટેલે કરેલી ફરિયાદ પરથી તા.11 એપ્રિલના ગુજરાત મેડિકલ કાઉન્સિલની કમિટીની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો કે, જ્યાં સુધી ડો.મનોજ સીદા મેડિકલ કાઉન્સિલની કમિટી સમક્ષ રજૂ ન થાય, તેનો કેસ કાઉન્સિલમાં પૂર્ણ ન થાય અથવા તો નવો હુકમ ન થાય ત્યાં સુધી ડો.મનોજ સીદાનું લાઇસન્સ રદ કરવામાં આવે છે, તેઓ હાલના તબક્કે ગુજરાતમાં કોઇપણ સ્થળે પ્રેક્ટિસ કરી શકશે નહીં અને તેમણે તેમનું ઓરિજિનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રારને જમા કરાવી દેવાનું રહેશે. ડો.સીદાનું લાઇસન્સ રદ થતાં તબીબોમાં સોપો પડી ગયો હતો.