2024માં દુનિયાભરના 70થી વધુ દેશોમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં દુનિયાના અડધાથી વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. ભારત ઉપરાંત અમેરિકા, ઇયુ અને દક્ષિણ આફ્રિકામાં મતદાન થશે. તાજેતરમાં જ બ્રિટનના ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનકે મોટો અને સાહસી નિર્ણય કર્યો છે. સુનકે સમય કરતાં પહેલાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે.
સુનક દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતના કારણે વિરોધ પક્ષો પરેશાન થઇ ગયા છે. વિપક્ષી લેબર પાર્ટી હાલમાં સફળતા મેળવી રહી છે. સુનક પણ પરેશાન છે. હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઇ હતી. દરમિયાન ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ પીએમ સુનક હવે વધારે આક્રમક બનીને વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે.
ગેરકાયદે પ્રવાસી, મોંઘવારી અને આર્થિક સ્થિરતા મુખ્ય મુદ્દા
બ્રિટનમાં આ ચૂંટણી અનેક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બ્રેક્ઝિટ (યુરોપિયન યુનિયનથી બહાર) થવા અને કિંગ ચાર્લ્સે સત્તા સંભાળી લીધા બાદ આ પ્રથમ ચૂંટણી છે. 1945 બાદ પ્રથમ વખત બ્રિટનમાં જુલાઇમાં મતદાન થશે. 14 વર્ષથી સત્તામાં રહેલી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા છે.
સૌથી મોટો મુદ્દો ગેરકાયદે પ્રવાસીઓનો છે. સુનક રવાન્ડા નીતિ લઇને આવ્યા છે. વિપક્ષ આને પૈસાના બગાડની બાબત ગણાવે છે. મોંઘવારી, આર્થિક સ્થિરતાના મુદ્દા પર સુનક મત માંગી રહ્યા છે.