બ્રિટનમાં પાંચ વર્ષ સુધીનાં બાળકોની સરેરાશ ઊંચાઈ ઘટી છે. છોકરાઓ હોય કે છોકરીઓ તેમનાં યુરોપિયન સમકક્ષો કરતાં નાના છે. આ ખુલાસો બ્રિટનની થિન્ક ટેન્ક ‘ફૂડ ફાઉન્ડેશન’ના તાજેતરના અભ્યાસમાં થયો છે. 1985માં 200 દેશોના ઊંચાઈ રેન્કિંગમાં આ વય જૂથનાં બ્રિટિશ બાળકોનું સ્થાન 69મું હતું. 2019માં બ્રિટિશ છોકરાઓ 102 અને છોકરીઓ 96મા ક્રમે પહોંચી છે. એક્સપર્ટોનું કહેવું છે કે ઊંચાઈ ઘણા અંશે આનુવાંશિક રીતે નક્કી થાય છે, પરંતુ બાળપણથી કિશોરાવસ્થા સુધીનો આપણો આહાર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માં ચાઇલ્ડ ગ્રોથ એક્સપર્ટ પ્રો. ટિમ કોલ કહે છે કે સૌથી મોટી સમસ્યા જંક ફૂડની છે. એમ પણ બ્રિટને કેટરિંગનું અમેરિકન વલણ અપનાવ્યું છે, સ્થૂળતાના રૂપે આપણે તેનાં પરિણામો પહેલાં જ જોઈ લીધાં છે. બાળકો ફળ-શાકભાજી અને ફાઇબર પૂરતા પ્રમાણમાં ખાતાં નથી. તેના બદલે સસ્તાં, વધુ કેલરીવાળાં પણ ઓછા પોષણયુક્ત ખોરાક ખાય છે. તેનાથી ખૂબ જ નુકસાન થાય છે. વર્ષો સુધી નિયમિતપણે ખરાબ આહાર સ્થૂળતા તરફ દોરી જાય છે અને બાળકોની ઊંચાઈને અસર કરે છે. કોલ કહે છે કે બીમારી, ચેપ, તણાવ, ઊંઘની ગુણવત્તા પણ જવાબદાર હોઈ શકે છે, પરંતુ અભ્યાસનાં પરિણામો ખરાબ પોષણ તરફ જ ઈશારો કરે છે.