જેતપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હિન્દુ યુવક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીના પ્રેમમાં ગળાડૂબ બની ગયો, એટલું જ નહીં, તેને પામવા માટે મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈકના પ્રવચનોથી પ્રભાવિત થઈ ધર્મપરિવર્તન પણ કરવા તૈયાર થઈ ગયો છે. અનોખી આ પ્રેમ કહાની અંતે પોલીસ મથકે પહોંચી છે. યુવકના પિતા તેમજ હિન્દુ સંગઠનોની ફરિયાદ પરથી સમગ્ર મામલે જેતપુર પોલીસે કાર્યવાહી આરંભી છે.
જેતપુર શહેરના પાંચપીપળા રોડ પર રહેતા આશિષ ગોસ્વામીની બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ હતી, આ યુવતી સાથે આશીષ લગ્ન કરવા માટે અને બાંગ્લાદેશ જવા માટે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપો તેના પિતાએ કર્યા છે. બીજી તરફ આશિષે પણ કબુલ કર્યું કે તે સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈકના વીડિયો જોઈ પોતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પ્રેરાયો છે.
બાંગ્લાદેશની યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ
મુસ્લિમ યુવતી સાથેના પ્રેમનો અંજામ એ આવ્યો કે યુવક આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો, જ્યાં તે રોજ પાંચ સમયની નમાઝ કરે છે, એટલું જ નહીં, પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવાની હોય એટલે સરકારી હોસ્પિટલે પણ ઓપરેશન માટે આવ્યો હતો અને ત્યાં તેણે પોતાનું નામ શેખ મોહમ્મદ અલસમી લખાવ્યું હોવાની કબુલાત આપી હતી.