દેશ વિદેશમાં પ્રખ્યાત રાજકોટનું સોની બજાર ચર્ચામં આવ્યું છે. ગત તારીખ 31 જુલાઇના રોજ રાત્રીના સમયે ગુજરાત ATS દ્વારા રાજકોટના સોની બજારમાંથી પશ્ચિમ બંગાળના ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સોની બજારમાં અંદાજિત 50 હજાર જેટલા બંગાળીઓ કામ કરી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે, બંગાળી કારીગરોના એસોસિએશનમાં માત્ર 500 બંગાળીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મહત્વનું છે કે, પકડાયેલા આતંકીઓ અન્ય બંગાળી કારીગરો તેમજ અન્યોને આતંકી પ્રવૃતિ તરફ પ્રેરિત કરવા ઉશ્કેરતા હોવાની માહિતી ATSને મળી છે. ત્યારે અન્ય કેટલા બંગાળીઓની સંડોવણી ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.
90 ટકાથી વધુ કારીગરોનું રજીસ્ટ્રેશન નથી
આતંકી પ્રવૃતિ સાથે જોડાઈ રાજકોટમાં રહી મૂળ બંગાળી કારીગરો અલકાયદા મોડ્યુલ પર કામ કરતા ત્રણ આતંકવાદીઓ રાજકોટના સોની બજારમાંથી પકડાતા માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ મચી ગોય છે. રાજકોટના સોની બજારના વેપારીઓનું કહેવું છે કે, રાજકોટ સોની બજારમાં ગુજરાતી કરતા વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. 50 હજાર જેટલા બંગાળી કારીગરો રાજકોટમાં કામ કરે છે. જો કે, 90 ટકાથી વધુ બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નથી તે ગંભીર વાત છે. વેપારીઓની પણ ક્યાંક આળસ હોય છે તો ક્યાંક બંગાળીઓની પણ ભૂલ હોય છે કે તેઓ પુરાવા રજૂ કરતા નથી.
વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતું રાજકોટનું સોની બજાર અને પેલેસ રોડ પરની દુકાનોમાં બંગાળી કારીગરોનું સામ્રાજ્ય વર્ષોથી રહેલું છે. સોની બજારમાં અંદાજિત 50 હજાર કારીગરો સોનાની ઘડાઈનું કામ કરે છે. સોની બજારમાં બંગાળીઓ વધુ આવતા હોવાનું કારણ જણાવતા વેપારીએ કહ્યું હતું કે, બંગાળીઓ મજૂરી અર્થે રાજકોટ આવતા હોય છે. વાર તહેવાર જોયા વગર રાત દિવસ તેઓ કામ કરતા હોય છે. 100થી લઇ 700-800 રૂપિયા સુધી અલગ અલગ મજૂરી મેળવી કામ કરી રહ્યા છે. ગુજરાતીઓ આટલું કામ કરતા નથી. વેપારીઓએ જાગૃત થવાની જરૂર છે અને વેપારીઓ તેમજ બંગાળીઓને રહેવા મકાન, ઓફિસ ભાડે આપતા માલિકોએ પણ ચોક્કસ પુરાવાઓ મેળવી લેવા જરૂરી છે. પોલીસ પ્રશાસને પણ સાવચેત થઈ આ બાબતે કડક પગલા લેવા વિચારણા કરવી જોઇએ.