શહેરના ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં આવેલી ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતા શખ્સે બારોબાર પોતાનું કારખાનું શરૂ કરી ફેક્ટરીના માલિક પરિવારને આપવાના થતા રૂ.2.65 લાખ પણ ન આપી ફેક્ટરીની મશીનરી સગેવગે કરી નાખી હતી.
રામકૃષ્ણનગરમાં રહેતા સ્નેહલબેન ભોગીલાલ શાહે (ઉ.વ.55) એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હસનવાડીમાં રહેતા ગોપાલ ગોરધન સતાપરાનું નામ આપ્યું હતું. સ્નેહલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગનગર કોલોનીમાં તેમના પિતાની માલિકીની સ્નેહલ ઇન્ડસ્ટ્રીઝ, મિલન હેન્ડિક્રાફ્ટ અને મિલન એન્જિનિયર્સ નામની ત્રણ ફેક્ટરી આવેલી છે, આ ફેક્ટરીમાં ગોપાલ સતાપરા મેનેજર તરીકે કામ કરતો હતો.
સ્નેહલબેનના પિતા ભોગીલાલના નિધન બાદ મહિને રૂ.15 હજાર આપવાની શરતે ગોપાલ સતાપરા ફેક્ટરી ચલાવતો હતો, થોડા મહિના હિસાબ આપ્યા બાદ ગોપાલે પૈસા આપવાનું બંધ કર્યું હતું અને સ્નેહલબેન નાણાની ઉઘરાણી કરે ત્યારે અલગ અલગ બહાના ધરી પૈસા આપતો નહોતો, ગોપાલે ફેક્ટરી માલિકના પરિવારજનોની જાણ બહાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે પોતાનું કારખાનું શરૂ કરી દીધુ હતું અને ફેક્ટરીમાં કોઇ બદલાવ કરતો ત્યારે અલગ અલગ બહાના ધરી દેતો હતો.