ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. મંગળવારે પ્રથમ દિવસની રમત વરસાદના કારણે વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. પ્રથમ દિવસે ભારતે 8 વિકેટે 208 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી ઝડપી બોલર કાગીસો રબાડાએ 5 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી વિકેટકીપર કેએલ રાહુલ (70 રન) અને મોહમ્મદ સિરાજ (0 રન) નોટઆઉટ પરત ફર્યા હતા. બંને બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગને આગળ ધપાવશે. બીજા દિવસની રમત બુધવારે ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.
ડેબ્યૂટન્ટ નાન્દ્રે બર્જરને 2 સફળતા મળી
સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. 24 રનમાં 3 વિકેટ લીધા બાદ પણ આફ્રિકન ટીમે ભારતીય ટીમને 208 રન બનાવવા દીધા હતા. રબાડા ઉપરાંત સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જરે 2 અને માર્કો યાન્સને એક વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી રાહુલ સિવાય વિરાટ કોહલીએ 38, શ્રેયસ અય્યરે 31, શાર્દૂલ ઠાકુરે 24 અને યશસ્વી જયસ્વાલે 17 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ 10 રનના સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા.