રોજિંદા બની ગયેલા મારામારીના વધુ બે બનાવમાં નશાખોર પુત્રે વૃદ્ધ માતાને ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બીજા બનાવમાં પોલીસને બાતમી દેતો હોવાનો ખાર રાખી યુવાન પર બે શખ્સે હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
પુષ્કરધામ મેઇન રોડ, મલુમંગલ સોસાયટીમાં રહેતા પુષ્પાબેન અરવિંદભાઇ મકવાણા નામના વૃદ્ધાને તેના પુત્ર ભાવિને માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઇજાગ્રસ્ત વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પતિ, પુત્ર ભાવિન અને પૌત્ર સાથે રહે છે. પુત્ર ભાવિનને દારૂ પીવાની ટેવ હોય તેની પત્ની સાથે ઝઘડો કરતા તે રિસામણે જતી રહી છે. દરમિયાન સોમવારે સવારે પોતે ઘરે હતા. ત્યારે ભાવિન ઊઠીને પોતાને ગાળો ભાંડવા લાગ્યો હતો અને તારા ત્રાસથી મારી ઘરવાળી રિસામણે જતી રહી છે તેમ કહી ઢીકાપાટુનો માર મારી પછાડી દીધી હતી.