રાજકોટ ડેરી હવે દહીંના ઉત્પાદનની ક્ષમતામાં વધારો થશે. રાજકોટ ડેરીમાં હાલમાં 30 ટન દહીં બની રહ્યું છે. હવે આ ઉત્પાદન ક્ષમતા 20 ટન વધશે અને રોજનું 50 ટન દહીં બનશે. આ માટે ખાસ સુવિધા અને ટેક્નોલોજીવાળો રૂમ બાંધવામાં આવશે અને ટેન્કની સુવિધા ઊભી કરવામાં આવી છે હાલ જે દહીંનું ઉત્પાદન થાય છે તે રાજકોટમાં જ ખપી જાય છે. જ્યારે દહીંની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે ત્યારે રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાં દહીં પહોંચાડવામાં આવશે તેમ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર હાલમાં સ્પેશિયલ રૂમ બાંધકામની કામગીરી ચાલી રહી છે. જે એક મહિનાના સમયગાળામાં થઈ જશે. ત્યારબાદ તેમાં દહીંના ઉત્પાદનની સમગ્ર કામગીરી ત્યાં કરવામાં આવશે. તેમજ આ માટે તાલીમ પામેલા કર્મચારીઓની ટીમ આ કામગીરીમાં જોડાશે. અત્યારે ઠંડીની સિઝનને કારણે દહીં અને છાશની ખપત અોછી છે જ્યારે ગરમીમાં છાશ અને દહીંની ખપત વધારે રહે છે. ઉનાળાની સિઝન શરૂ થશે ત્યારે આખા રાજકોટ અને સૌરાષ્ટ્રની દહીં અને છાશની જરૂરિયાતને પહોંચી વળી શકાશેે. હાલ રાજકોટમાં દૈનિક 3.45 લાખ લિટર દૂધ ખપીજાય છે.