રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી આકરી ગરમી પડી રહી છે. મે માસમાં સામાન્ય રીતે તાપમાન 40 ડિગ્રી આસપાસ ગણાય છે પણ 42ની આસપાસ નોંધાતા લોકોને ભારે ગરમીનો અનુભવી પડી રહી છે. મંગળવારે તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું જ્યારે બુધવારે પણ તેટલું જ 42.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હાલ હીટવેવની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને અલગ અલગ વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચકાયા છે. જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને આસપાસમાં પણ ગરમી પડી રહી છે. આગામી સપ્તાહ દરમિયાન પારો સતત 41 ડિગ્રી અને ક્યારેક 42 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ જાય તેવી પૂરી શક્યતા છે. 14 તારીખ બાદ ગરમી ઘટશે કે નહિ તેના પણ હાલ કોઇ એંધાણ જોવા મળતા નથી. મે માસમાં આ જ રીતે ગરમી પડતી હોય છે એટલે લોકોએ હવે એક મહિના સુધી આકરી ગરમી સામે લડવાની પૂરી તૈયારી રાખવાની છે. ખાસ કરીને આવતા સપ્તાહથી લગ્નસરાની ફરી મોસમ શરૂ થઈ રહે છે. જેને લઈને આરોગ્ય તંત્રએ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે અને કામ વગર બપોરે નીકળવું નહિ તેમજ બહારનો ખોરાક અને ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટની મીઠાઈઓ ન આરોગવી તેમજ સતત પાણી પીવાની સલાહ આપી છે.