દેશમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સ્થાનિક ફાર્મા કંપનીઓ 7-9%ની વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા રેટિંગ એજન્સી ઇકરા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક માર્કેટમાં 8-10% વિસ્તરણ અને યુએસના માર્કેટમાં 6-8% વિસ્તરણને કારણે આ ગ્રોથ જોવા મળશે. જ્યારે યુરોપિયન અને ઉભરતા માર્કેટમાં અનુક્રમે 3-5% અને 8-10%નો વૃદ્ધિદર જોવા મળે તેવી સંભાવના છે. ઇકરાએ જણાવ્યું હતું કે એજન્સીએ 25 ભારતીય ફાર્મા કંપનીઓને સરવેમાં આવરી લીધી હતી, જે સ્થાનિક ફાર્મા ઇન્ડસ્ટ્રીનો એકંદરે 60% હિસ્સો ધરાવે છે.
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ફાર્મા સેગમેન્ટે 10%નો ગ્રોથ નોંધાવ્યો હતો. કોમ્પ્લેક્સ જેનેરિક્સ અને યુએસના માર્કેટમાં સ્પેશ્યાલિટી લોન્ચિંગને કારણે નાણાકીય વર્ષ 2024માં માર્જિનને સપોર્ટ મળશે. ભારતીય ફાર્મા કંપનીઓની ક્રેડિટ પ્રોફાઇલ સ્થિર આવક, કવરેજ મેટ્રિક્સમાં સુધારાને કારણે મજબૂત રહેશે અને તેઓની લિક્વિડિટી પોઝિશન પણ મજબૂત રહેશે.