22 વર્ષીય યુવતીના તેની સાથે કેટરિંગમાં કામ કરતાં યુવક સાથે પ્રેમસંબંધો બંધાયા હતા. પરંતુ પ્રેમી પરિણીત હોવાની ખબર પડતાં યુવતીએ સંબંધ વિચ્છેદ કર્યો હતો. જેના પગલે આ પરિણીત પ્રેમીએ જે જગ્યાએ યુવતીના લગ્ન થવાના હતાં તે જગ્યાએ ફોન કરી જણાવ્યું હતું કે ‘તમારા છોકરા સાથે જે છોકરીના લગ્ન કરો છો તે સારી નથી અને તેનું મારી સાથે પ્રેમસંબંધ છે’ એટલું જ નહીં યુવતી અને તેના પરિવારને અપશબ્દો બોલી ધમકી આપનાર લાલગેટ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
લાલગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી 3 વર્ષ પહેલા કેટરર્સ કામ કરતી ત્યારે તેના મનોજ ભદોરીયા પ્રેમસંબંધ બંધાયો હતો. મનોજ ભદોરીયાના લગ્ન થયાં હોવાનું 6 મહિના પૂર્વે ખબર પડતા યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. ત્યાર બાદ મનોજ સંબંધ રાખવા કોલ કરતો હતો. એટલું જ નહિ યુવતીના સાસરી પક્ષને કોલ કરી હેરાન કરતો હતો. ઉપરથી યુવતીના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી પરિવારના સભ્યોને જાતિ વિશે અપશબ્દો બોલી હેરાન કરતો હતો.
17મી માર્ચે યુવતીની બહેન અને માતાને કોલ કરી મનોજે ગાળો આપી ધમકી આપી હતી. જેના પગલે યુવતીએ લાલગેટ પોલીસમાં મનોજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મનોજ વિજયપ્રતાપસીંગ ભદોરીયા(રહે,ભરવાડ મહોલ્લો, નાના વરાછા)ની સામે ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.