રાજકોટ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર દોઢ વર્ષ પહેલાં જ્વેલરી શો રૂમમાં 85 લાખની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે ત્રણ આરોપીને દોષિત ઠેરવ્યા છે. પેડક રોડ, ચંપકનગર-3માં આવેલા શિવ જ્વેલર્સ નામના શો રૂમમાં તા.26-4-2022ની બપોરે લૂંટારુ ટોળકી ત્રાટકી શો રૂમના માલિક મોહનભાઇ વિરમભાઇ ડોડિયાને હથિયાર બતાવી ત્રણ શખ્સે અન્ય ત્રણની મદદથી રૂ.85 લાખની કિંમતના ઘરેણાં અને રોકડની લૂંટ ચલાવી હતી. જે કેસમાં પોલીસે છએય આરોપીઓ સામે પુરાવાઓ એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વાછાણીની કોર્ટમાં ચાલતો હતો. સજા પામનાર શુભમ સોવરનસીંગ કુંતલ, સુરેન્દ્ર હમીરસીંગ ભરતભાઇ અને સતીષ સોવરનસીંગ સિકરવારને આઇપીસી 394 કલમ હેઠળ 10 વર્ષની સજા અને રૂ.10-10 હજારનો દંડ, આઇપીસી 397ની કલમ હેઠળ 10-10 વર્ષની સજા, આઇપીસી 452ની કલમ હેઠળ 5-5 વર્ષની સજા અને રૂ.5-5 હજારનો દંડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ 1-1 વર્ષની સજા અને રૂ.1-1 હજારનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો છે. દંડ ન ચૂકવે તો વધુ બે-બે મહિનાની સજાનો આદેશ કર્યો છે. જ્યારે અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ સિકરવાર, બિકેશ કુમ્હેરસીંગ પરમાર અને ઇશુવ ઉર્ફે ટલ્લે શરીફ કુરેશીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.