મણિપુરમાં રવિવારે કુકી સમુદાયના એક યુવકને જીવતો સળગાવી દેવાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફ્રન્ટ (ITLF)ના પ્રવક્તા ઘિનdજાએ આ વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું કે આ વીડિયો મે મહિનાનો છે, પરંતુ હમણાં જ સામે આવ્યો છે.
7 સેકન્ડના વીડિયોમાં એક યુવક જીવતો સળગતો જોવા મળી રહ્યો છે. નજીકમાં કેટલાક આરોપીઓના માત્ર પગ જ દેખાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાંથી પણ ગોળીબારનો અવાજ આવી રહ્યો છે.
મણિપુરના ડીજીપી રાજીવ સિંહે ભાસ્કરને જણાવ્યું કે અમને પણ થોડા સમય પહેલા વીડિયો મળ્યો છે. અમે તેની પુષ્ટિ કરી રહ્યા છીએ.
બીજી તરફ, શનિવારે મોડી રાત્રે ઈમ્ફાલ પશ્ચિમના સિંગજામેઇમાં ગ્રામીણ વિકાસ મંત્રી વાય ખેમચંદના ઘરના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં CRPFનો એક જવાન ઘાયલ થયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્યના સીએમ બિરેન સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.