અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા જહાજના કેપ્ટને પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યા બાદ દરિયામાં ફેંકી દેતા સમગ્ર ઘટનાને અતિ બારીકાઇથી જોવામાં આવી રહી છે, અને ગુપ્તચર એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.82 (કિરણ શિપબ્રેકિંગ કંપની) દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં ગત શનિવારે આવી પહોંચ્યુ હતુ. ભારતીય જળસીમામાં પ્રવેશ્યા બાદ શિપના કેપ્ટને સેટેલાઇટ ફોન વડે વિદેશમાં વાતચીત કરી હતી, અને આ કોલને ગુપ્તચર શાખાએ આંતર્યો હતો.
શનિવારે ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓ, કોસ્ટગાર્ડ, નેવલ ઇન્ટેલિજન્સ, ગુપ્તચર એજન્સીઓ સહિતનો કાફલો જહાજ પર ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.દરમિયાન જહાજના કેપ્ટનને સોમવારે શિપ પરથી ભાવનગર કસ્ટમ્સમાં લાવવામાં આવ્યો હતો. અને અહીં તેઓનું વિધિસર સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. એમ.વી.ડીડ-1 જહાજના તાર મૂળ પાકિસ્તાની અને દુબઇમાં બેંક ફ્રોડમાં સંડોવાયેલા તાહિર લાખાણીનું હોવા અંગેની દિશામાં ગુપ્તચર શાખા તપાસ કરી છે. ઉપરાંત ગુજરાતની એન્ટિ ટેરિરિસ્ટ સ્ક્વોડ પણ આ જહાજ સાથે સ્થાનિક સ્તરે સંકળાયેલા લોકોની પુછપરછ કરી રહ્યું છે.