ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સે તંત્રને સહયોગ આપવાની તૈયારી બતાવી છે અને કહ્યું છે કે, જો તંત્ર પાસે મેનપાવરની મર્યાદા હોય તો ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણીથી લઈને વેરિફિકેશન સહિતની કામગીરીમાં સંસ્થાના સભ્યો જોડાશે.આ ઉપરાંત રહેણાક વિસ્તાર, સોસાયટી, દુકાન સંચાલકોને સાવચેતી રાખવા અંગે સેમિનાર કરી જાગૃતતા ફેલાવશે. તેમ સંસ્થાના પ્રમુખ રાજીવભાઈ દોશીએ જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર રાજકોટમાં બહોળા પ્રમાણમાં જ્યાં લોકોની અવર-જવર થતી હોય તેવા ગીચ સ્થળો, મોલ, સિનેમા, સરકારી કચેરી, દવાખાનાઓ, જાહેર સ્થળો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, ફન પાર્ક, ગેમ ઝોન વગેરે સ્થળોએ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ તંત્રની સાથે જોડાઈને ફાયર સેફ્ટી એન.ઓ.સી. અને સાધનોનું વેરિફિકેશન કરવા માટે સહયોગ આપશે. ત્યારબાદ તબક્કાવાર મોટા કારખાના, ખાનગી કચેરીઓ, મોટી દુકાનો, બજારો, કોમર્સિયલ કોમ્પ્લેક્સ અને ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં પણ ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી સંલગ્ન તંત્ર સાથે ચેમ્બર જોડાઈને મદદરૂપ થશે. આ ઉપરાંત લોકોને આગ લાગે ત્યારે ક્યા પ્રકારની સાવધાનીના પગલાં લેવા જોઈએ, તેનું દિશા- નિર્દેશન, લોકોમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેમ કરવો, તેનો પ્રયોગાત્મક કેમ્પ કરવો સહિતની કામગીરીમાં પીપીપી ધોરણે સહભાગી થવા તૈયારી બતાવી છે. તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે અગાઉથી જ સરવે કરી જ્યાં ખામી હોય તે દૂર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.