દેશલપરથી નલિયા વચ્ચે રેલવેનું બ્રોડગેજ લાઈનનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી જખાૈ અને વાયોર તરફ સેવા વિસ્તારવા માટે જમીનનો સરવે હાથ ધરાયો છે ત્યારે 3 દાયકા બાદ અબડાસામાં રેલવેનું સપનું સાકાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને જોડતો રેલમાર્ગ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભુજથી દેશલપર સુધી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર રેલગાડી દોડાવીને ટેસ્ટિંગ સહિતની કામગીરી પૂર્ણ કરાઇ છે. દેશલપરથી નલિયા સુધીનું 75 કિ.મી. વિસ્તારમાં જમીન લેવલ, ટ્રેક, રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ સહિતની કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટ્રેકની આજુબાજુ કાંકરી, રેતી, સાધન-સામગ્રી ગોઠવી દેવાઇ છે. દેશલપરથી નલિયા સુધીનું કામ માર્ચ 2024 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે અને તે લક્ષ્યાંક મુજબ કામ પૂરું કરવા ધમધમાટ જોવા મળી રહ્યો છે.