સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ સાબરમતી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે અને તેનું પાણી પીવા લાયક નથી. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે અનેક વખત સરકાર અને મ્યુનિ.ની આકરી ઝાટકણી કાઢી છે. મ્યુનિ.એ સાબરમતીના શુદ્ધિકરણ માટે 2020-21માં 56.08 કરોડ અને 2021-22માં 21.14 કરોડ મળી બે વર્ષમાં 77.22 કરોડ ખર્ચ કર્યો છે છતાં નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાઈ નથી.
નદીમાં પ્રદૂષણ માટે સૌથી વધું જવાબદાર ઉદ્યોગો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના 11.5 કિમીના પટ્ટામાં જ સાબરમતીનું શુદ્ધિકરણ થતું હોય તેમ લાગે છે. નદીમાં પ્રદૂષણ માટે સૌથી વધું જવાબદાર ઉદ્યોગો છે. આ ઉદ્યોગો ઝેરી કચરો નદીમાં ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ગટરનું પાણી પણ નદીમાં ઠલવાય છે. સાબરમતી માટે રાયસણ અને વૌઠા પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો નદીના પાણીમાં 6 એમજી-1 બીઓડી લેવલ હોય તો તે ન્હાવા યોગ્ય ગણાય પણ સાબરમતીમાં આ સ્તર 292 એમજી-1 બીઓડી હતું.