શહેરના ગાંધીગ્રામ વિસ્તારના જીવંતિકાનગરમાં સ્કૂટર અથડાવાના સામાન્ય મુદ્દામાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને છરી ધોકાથી એક બીજા પર તૂટી પડ્યા હતા. જેમાં બંને જૂથના એક એક વ્યક્તિની હત્યાની કોશિશ થઇ હતી. પોલીસે બંને જૂથના 19 સામે ગુનો નોંધ્યો હતો.
જીવંતિકાનગરમાં રહેતા મીત મનીષ ધામેચા (ઉ.વ.21)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપેશ ઉર્ફે ભટ્ટુ, મયૂર, ગૌરવ વાઢેર, નેહાંશુ, ભવ્ય વાળા તથા સાત અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. મીતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે સાંજે પોતે એક્ટિવા ચલાવીને ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેના મિત્ર દિપેશની પત્ની આરતી અચાનક જ સ્કૂટર લઇને નીકળતાં મીતે પોતાના સ્કૂટરને બ્રેક મારી હતી અને આરતીને સંભાળીને સ્કૂટર ચલાવાનું કહેતા આરતીએ તેને ગાળો ભાંડી હતી, ત્યારબાદ બંને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા.
રાત્રે દિપેશ સહિતના શખ્સો મીતના ઘર પાસે ધસી ગયા હતા અને મીત તથા તેના કાકા ચિરાગભાઇ અમિતભાઇ સહિતનાઓ પર છરી ધોકાથી તૂટી પડ્યા હતા. મીતને બચાવવા તેના દાદી કાશીબેન વચ્ચે પડતાં તેને પણ પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા કાશીબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાપક્ષે અક્ષરનગરમાં રહેતા દિપેશ દિલીપભાઇ કંબોડિયા (ઉ.વ.23)એ વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મીત ઠાકોર, અમિત ઠાકોર, અમિત ઠાકોરના પિતા તથા ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. દિપેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્ની આરતીએ ગાળો આપી નહોતી તેવું સમજાવવા જતાં આરોપીઓ ધોકા છરીથી તૂટી પડ્યા હતા અને દિપેશને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે બંને જૂથના 19 શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.