ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે રવિવારે સાંજે એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે. 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. બસમાં ભાવનગરના 31 મુસાફરો સવાર હતા. ભાવનગરની શ્રી ટ્રાવેલ્સની બસ ત્યાં ગઈ હતી.
ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
રાજ્યના રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓનાં મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.