શહેરમાં પોલીસનું કે કાયદાનું કોઇ અસ્તિત્વ ન હોય તેમ રોજ ઘાતક હથિયારો સાથે ટોળાં સ્વરૂપે આવી લોકોમાં ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં ગત મોડી રાતે સાત શખ્સે ઘાતક હથિયારો સાથે ગોકીરો કરી ત્રણ વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રેલનગર, સુભાષચંદ્ર બોઝ ટાઉનશિપમાં રહેતા અને ખાણીપીણીનો વેપાર કરતા રમીઝ જમાલભાઇ કુરેશી નામના વેપારી યુવાને સંતોષીનગર પાણીના ટાંકા પાસે રહેતા વિશાલ કાળુ ગોલતર, દેવા મચ્છા ગોલતર, રમેશ વરૂ, રૈયાધારાના વિપુલ બાબુ ગમારા, પોપટપરાના અનિલ દારોદરા, રોહિત કાળુ ભરવાડ, આકાશ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. યુવાનની ફરિયાદ મુજબ, અગાઉ સોસાયટીમાં રહેતા રજાકભાઇ ભાડુલાને વિશાલ ગોલતર સાથે ગાડી સામસામે આવી જવાના મુદ્દે ડખો થયો હતો. જે બનાવ બાદ બંને પક્ષોએ સમાધાન કરી લીધું હતું.
દરમિયાન ઇદ નિમિત્તે સોસાયટીમાં લાઇટ ડેકોરેશન કર્યું હોય શનિવારે રાતે ડેકોરેશનની લાઇટ ઉતારી હતી. ત્યાર બાદ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં રેલનગરમાં મિત્રો સાથે ચા પીવા ગયા હતા. પોણા એક વાગ્યે ભાણેજના મોબાઇલ પરથી પત્નીનો ફોન આવ્યો કે અજાણ્યા શખ્સો સોસાયટીમાં આવી આપણા બુલેટમાં તોડફોડ કરી નાસી ગયા હોવાની વાત કરી હતી. જેથી તુરંત મિત્રો સાથે સોસાયટીએ પહોંચ્યા હતા. જ્યાં પોતાના બુલેટ ઉપરાંત એક રિક્ષા અને એક્ટિવામાં નુકસાની કરી હોવાનું જોવા મળ્યું હતું. આ સમયે સોસાયટીના કેટલાક લોકો ત્યાં બેઠા હોય બનાવ અંગે તેમને પૂછતા વિશાલ સહિતના શખ્સો ધારિયા, લાકડી જેવા હથિયારો સાથે બાઇક પર ધસી આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી નાસી ગયાની વાત કરી હતી. પોલીસે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.