એડિલેડ ટેસ્ટનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, ટીમ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા.
શુક્રવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી હતી. કેએલ રાહુલને એક ઓવરમાં 2 જીવનદાન મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન ફ્લડ લાઇટ બંધ થઈ ગઈ હતી. શોટ રમતી વખતે રાહુલના બેટમાંથી સ્ટીકર નીકળી ગયું હતું.
8મી ઓવરમાં સ્કોટ બોલેન્ડના બોલ પર કેએલ રાહુલને બે જીવનદાન મળ્યા. રાહુલ પ્રથમ બોલ પર કેચ આઉટ થયો હતો. ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો, રાહુલ પરત ફરવા લાગ્યો, વિરાટ બેટિંગ કરવા મેદાન તરફ આવવા લાગ્યો. ત્યારબાદ થર્ડ અમ્પાયરે બોલેન્ડના બોલને નો બોલ જાહેર કર્યો અને રાહુલ આઉટ થતા બચી ગયો.