કોઇપણ અતિશય વસ્તુ ખરાબ હોય છે. પાણી પણ. જરૂરથી વધુ પાણી પીવાથી મોત પણ થઇ શકે છે. આ સ્થિતિને હાઇપોનેટ્રેમિયા કહે છે. થોડા સમયમાં ખૂબ વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમની અચાનક ઉણપ સર્જાય છે. આ કિસ્સામાં કિડની પાણીને ફિલ્ટર કરવામાં સક્ષમ ન રહેતા તે પાણી લોહીમાં સામેલ થઇને તેને પાતળું કરે છે. તેનાથી શરીર ફૂલવા લાગે છે અને સારવાર ન મળતા મોત થઇ શકે છે.
હાર્વર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ અનુસાર, કિડનીની બીમારી ધરાવતા લોકો વધુ પાણી પીવાથી આ બીમારીની ચપેટમાં આવી શકે છે. સોડિયમ એક પ્રકારનું ઇલેક્ટ્રોલાઇટ છે. તે કોષોમાં અને તેની આસપાસ પાણીની માત્રાને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. લોહીમાં 135 થી 145 એમઇક્યૂ પ્રતિ લીટર સોડિયમની માત્રા હોય છે.
વધુ પાણીથી એશલે સમર્સની મોત : હાલમાં અમેરિકાના ઇન્ડિયાનાની 35 વર્ષીય એશલે સમર્સનું વધુ પાણી પીવાથી મોત થયું હતું. તેને ખૂબ તરસ લાગી હતી. તેઓએ 20 મિનિટમાં 4 લીટર પાણી પીધું હતું.
હાઇપોનેટ્રેમિયાથી બ્રૂસલીનું મોત: અભિનેતા અને માર્શલ આર્ટ્સ લેજન્ડ 32 વર્ષના બ્રૂસલીનું મોત 1973માં હાઇપોનેટ્રેમિયાથી થયું હતું. તેમના મોતના 50 વર્ષ બાદ 2022માં ઑક્સફોર્ડના રિસર્ચમાં આ ખુલાસો થયો હતો.