દેશના અનેક રાજ્યોમાં ખાદ્યપદાર્થોની કિંમતના આંચકાની ફુગાવા પર અસરની શક્યતાને ધ્યાનમાં રાખતા RBIએ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. ગત 10 ઓગસ્ટના રોજ યોજાયેલી MPC બેઠક દરમિયાન RBIએ ફુગાવાની ચિંતા વ્યક્ત કરતા રેપોરેટ 6.5% પર યથાવત્ રાખ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે ફુગાવાને નિયંત્રણમાં લાવવાનું અમારું કામ હજુ પૂરું થયું નથી.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતમાં વધુ વધારો થાય ત્યારે ફુગાવાનું દબાણ ન વધે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. ફુગાવાને લક્ષ્ય સુધી નીચે લાવવાના MPCના ઉદ્દેશ્ય માટે કોર ફુગાવામાં સતત સરળતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. MPC ફુગાવાને અસર કરતા પરિબળોનું નજીકથી આકલન કરશે અને એ પ્રમાણે એક્શન લેશે.
જો કે તાજેતરમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો ટૂંકા ગાળા માટે હશે. આગામી સમયમમાં નવા પાકના આગમનને કારણે શાકભાજીની કિંમતોમાં ઘટાડો શક્ય બનશે ત્યારે અલ નીનોની અસર, વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોની કિંમતમાં વોલેટિલિટી જેવા પરિબળોને કારણે ખાદ્યપદાર્થો અને એકંદરે ફુગાવાને અસર થઇ શકે છે.