એક સમયે મોટી સંખ્યમાં દેખાતાં ગીધોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. વિલુપ્ત થતાં ગીધોને કારણે માનવજીવન પર ગંભીર સંકટ સર્જાઈ શકે છે. તાજેતરના સંશોધનમાં ગીધોના અસ્તિત્વને લઈ ચિંતાજનક બાબત સામે આવી છે.
વોરવિક યુનિવર્સિટીના અંત સુદર્શન અને શિકાગો યુનિવર્સિટીના ઇટલ ફ્રેન્કના નવા સંશોધનમાં સામે આવ્યું છે કે 1990ના દાયકામાં ભારતીય ગીધોનું લગભગ વિલુપ્ત થવું માનવજાત માટે ઘાતક સાબિત થયું છે. જ્યાં ગીધોનું અસ્તિત્વ ઘટવા લાગ્યું ત્યાં મૃત્યુદર 4 ટકા વધ્યો. 1990 અને 2000ના દાયકાની વચ્ચે ગીધની સંખ્યામાં 90% થી વધુ ઘટાડો થયો. તેનું કારણ ‘ડીક્લોફેનાક’ હતું, જે એક પ્રકારની પશુઓની દવા હતી. આ દાયકા દરમિયાન ડીક્લોફેનાકનો ઉપયોગ ખેડૂતો પશુઓની સારવાર માટે કરતા હતા. આ દવાનો પશુઓ તેમજ માનવજાત સામે કોઈ ખતરો ન હતો. પરંતુ જે પક્ષીએ ડીક્લોફેનાકની સારવાર અપાઈ હોય તેવા મૃતક પશુઓના માંસ ખાધા હશે તેમના મોત થોડાંક અઠવાડિયાંમાં થવા લાગ્યા હતાં.
ગીધોની સંખ્યામાં ઘટાડો નોંધાતાં પશુઓનાં મૃતદેહોને જંગલી શ્વાન તેમજ ઉંદરોએ ખાવાનું શરૂ કર્યું. તે ગીધોની જેમ પશુઓના મૃતદેહોને સંપૂર્ણ ખતમ કરવામાં સક્ષમ નથી. તેથી બાકી છોડવામાં આવેલું સડતું માંસ સૂક્ષ્મજીવાણુઓથી ભરેલું હોય છે, જે પછી પીવાના પાણીમાં ફેલાય છે. લેખકોના અનુમાન મુજબ, 2000-2005માં ગીધોના અભાવને કારણે પાંચ લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં. પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવા ગીધોનું મહત્ત્વનું યોગદાન છે.