બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વરિષ્ઠ પસંદગી સમિતિ દુલીપ ટ્રોફી માટે ટીમની પસંદગી કરશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને સિનિયર સિલેક્ટર્સ કમિટી ઈચ્છે છે કે તમામ ખેલાડીઓ દુલીપ ટ્રોફી માટે ઉપલબ્ધ રહે. 5 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સિઝન નવા ફોર્મેટમાં રમાશે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવને દુલીપ ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટુર્નામેન્ટ નહીં રમે કારણ કે તેને લાંબો આરામ આપવામાં આવ્યો છે. પસંદગીકારો બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચમાં તેની પસંદગી અંગે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે.
ભારતે આગામી ચાર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ શ્રેણી સહિત 10 ટેસ્ટ મેચ રમવાની છે. બાંગ્લાદેશ શ્રેણી માટેની પિચ સ્પિનરોને અનુકૂળ થવાની અપેક્ષા છે. મોહમ્મદ શમીના પુનરાગમનની સંભાવના છે. આવી સ્થિતિમાં બુમરાહને સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. દુલીપ ટ્રોફી પહેલાની જેમ ઝોનલ ફોર્મેટમાં યોજાશે નહીં. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી પેનલ ચાર ટીમ ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D પસંદ કરશે, જે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.