રિંગરોડની તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકમાં રૂપિયા 16.38 કરોડના લોન કૌભાંડમાં વધુ બે લોનધારકોને સરથાણા જકાતનાકા પાસેથી ઈકોસેલે પકડી પાડી ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં આ લોન કૌભાંડમાં બેંકના મેનેજર સહિત 26 જણાની ધરપકડ કરી છે.
વધુમાં ઈકોસેલે સંજય કાળુ કાનપરીયા અને ગુણવંત કાંતિ કાનપરીયા (રહે.કવિતા રો હાઉસ, સરથાણા જકાતનાકા, મૂળ રહે. આમાપુરગામ, અમરેલી)ની ધરપકડ કરી છે. બંને આરોપી પિતરાઇ ભાઈ છે. તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકમાં આરોપી સંજય કાનપરીયાએ બોગસ પેઢી ઊભી કરી સિધ્ધાર્થ ફેશનના નામે ધંધો બતાવી 75 લાખની સીસી લોન લીધી હતી. સાથે જે મિલકત મોર્ગેજમાં મુકી તે વેલ્યૂ ઓછી હોય છતાં વધારે બતાવી લોન લીધી હતી.
આવી જ રીતે આરોપી ગુણવંત કાનપરીયાએ પણ વિનાયક કોર્પોરેશનના બોગસ પેઢી બનાવી 1 કરોડની લોન લીધી હતી. તેઓ ધંધાનું સ્થળ માત્ર કાગળ પર બતાવ્યું હતું. જોકે, ધંધાના સ્થળે ક્વોટેશન આપ્યા મુજબનું કોઇ પણ વસ્તુ ન હતી.
ઉપરથી તેણે લોન લેવા માટે જે દુકાનો મોર્ગેજ મુકી તેની વેલ્યૂ ઓછી હોય અને વધારે બતાવી હતી. એટલે કે ઓવરવેલ્યુએશન કરીને બેંકમાંથી લોન લેવામાં આવી હતી. બંને લોનધારકોએ બેંકને 1.75 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. ગુનો દાખલ થતાની સાથે બંને આરોપી સુરતથી કામધંધો છોડી પોતાના વતન આમાપુરગામમાં ખેતી કરવા લાગ્યા હતા. ઝડપાયેલા 26 આરોપીઓમાં મોટા ભાગના સુરતના રહેવાસી હતા.