યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો ધારણા મુજબ 0.75 bps રહ્યો છે માર્કેટનો અંદાજ એક ટકા સુધી હતો જેના કરતા ઓછો વધારો આવ્યો હોવાથી માર્કેટે તેને ડિસ્કાઉન્ટ કર્યો છે. જોકે, ડોલર ઇન્ડેક્સ 111ની સપાટી કુદાવી ચૂક્યો છે જેના કારણે ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયો આક્રમક 86 પૈસા તૂટી ઇન્ટ્રા-ડે 81ની સપાટ નજીક પહોંચ્યો હતો જે અંતે 90 પૈસા ઘટાડા સાથે રૂ.80.86 બંધ રહ્યો છે.
જ્યારે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 337.06 પોઈન્ટ ઘટીને 59119.72 પર બંધ રહ્યો હતો જ્યારે ઇન્ટ્રા-ડે 624 પોઈન્ટ સુધી ઘટી 58832.78 પર પહોંચ્યો હતો. નિફ્ટી 88.55 પોઈન્ટ ઘટીને 17629.80 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી જળવાઇ 281.55 લાખ કરોડ રહી છે. માર્કેટ એનાલિસ્ટોના મતે હાલ માર્કેટમાં મોટા કરેક્શન નકારાઇ રહ્યાં છે.
ફેડરલ રિઝર્વે દ્વારા વ્યાજ વધારી 3.25 કરી દેવામાં આવ્યો છે જે આગામી વર્ષાન્ત સુધીમાં 4.5 ટકા સુધી લઇ જવાના સંકેતો છે જેના કારણે યુએસ બોન્ડ યિલ્ડમાં મજબૂતી જોવા મળશે પરિણામે વિદેશી રોકાણકારો દ્વારા હજુ એકાદ ક્વાર્ટર સુધી ધીમી ગતીએ ભારતીય માર્કેટમાંથી એક્ઝિટ જળવાઇ રહે તો નવાઇ નહિં. ભારતીય શેરબજારમાં મોટા કરેક્શનની સંભાવના નકારાઇ રહી છે. પરંતુ રિઝર્વ બેન્ક આગામી મોનેટરી પોલિસી બેઠકમાં કેટલો વ્યાજ વધારો આપે છે તેના પર નિર્ભર રહેશે.