મહારાષ્ટ્રના અહમદનગરમાં ચાર યુવકોને ઝાડ પર લટકાવી માર મારવાનો મામલો સામે આવ્યો છે. પીડિતોને 6 લોકોએ લાકડીઓ વડે માર માર્યો છે. આ લોકો પર એક બકરી અને કેટલાક કબૂતરો ચોરવાનો આરોપ હતો. પોલીસે 26 ઓગસ્ટે એક આરોપીની ધરપકડ કરી છે, પાંચ આરોપી હજુ ફરાર છે.
આ મામલો શ્રીરામપુર તાલુકાના હરેગાંવ ગામનો છે. એક આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 25 ઓગસ્ટના રોજ છ લોકો ગામના ચાર લોકોને તેમના ઘરની બહાર લઈ ગયા હતા. આ પછી તેમના કપડાં ઉતરાવીને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા, ત્યારબાદ તમામ આરોપીઓએ તેમને લાકડી વડે માર માર્યો.
ઘટના બાદ પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે પીડિતા શુભમ મગાડેએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓની ઓળખ યુવરાજ ગલાંદે, મનોજ બોદાકે, પપ્પુ ફડકે, દીપક ગાયકવાડ, દુર્ગેશ વૈદ્ય અને રાજુ બોરાગે તરીકે કરવામાં આવી છે.
પોલીસે કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 304 (અપહરણ) અને અન્ય સંબંધિત કલમો સહિત SC-ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.