ગુજરાતમાં 2022માં સર્જાયેલા કુલ અકસ્માતોમાં 95% એટલે 7236 લોકોના મોત ઓવરસ્પીડિંગના કારણે નીપજ્યાં હતાં. ગત વર્ષે રાજ્યમાં 15751 અકસ્માતમાં કુલ 7618 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ 56% એટલે કે 4220 મૃતકોની ઉંમર 35 વર્ષથી ઓછી હતી. આ ગમખ્વાર અકસ્માતોમાં 58 ટકા ડ્રાઇવર યુવા હતા. જ્યારે 108 ડ્રાઇવર એવા હતા, જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળે 2022ના અકસ્માતોનું કરેલા એનાલિસિસમાં આ વિગતો બહાર આવી છે. 2022માં રોજ સરેરાશ 43 અકસ્માતમાં 21 લોકોનાં મોત થયા છે, એટલે કે દર બીજા અકસ્માતે એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં રાત કરતાં દિવસમાં વધુ અકસ્માતો સર્જાયા છે. 60% અકસ્માત ગ્રામીણ અને 40% શહેરી વિસ્તારમાં સર્જાયા છે. અકસ્માતો એટલા ગંભીર હતા કે 8782 લોકો હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં રાત્રિના સમયે 6521 અકસ્માત અને દિવસ દરમિયાન 9148 અકસ્માત સર્જાયા હતા. જ્યારે શહેરી વિસ્તારમાં 6230 અકસ્માત અને ગ્રામીણ વિસ્તારમાં 9521 અકસ્માત થયા હતા.