સીરિયન વિદ્રોહી જૂથ તહરિર અલ-શામ (HTS)ના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ બુધવારે દમાસ્કસમાં બંધારણને ખતમ કરીને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. સીરિયન ન્યૂઝ એજન્સી SANA અનુસાર, કમાન્ડર હસન અબ્દેલઘાનીએ કહ્યું કે દેશમાં સંપૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી જુલાની રાષ્ટ્રપતિ પદ પર રહેશે.
અબ્દેલઘાનીએ કહ્યું કે સીરિયાની સંસદ પણ ભંગ કરી દેવામાં આવી છે. નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ એક હંગામી વિધાનસભાની રચના કરશે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી.
અબ્દેલઘાનીએ એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની બાથ પાર્ટી સાથે સંકળાયેલા તમામ સંગઠનો અને સંસ્થાઓને વિસર્જન કરવામાં આવશે. તેમજ તેમની તમામ મિલકતો પર સીરિયન સરકારનું નિયંત્રણ રહેશે.
ગયા મહિને, HTSએ સીરિયામાં બળવો કરીને રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો હતો. આ સાથે જ અસદ પરિવારના 54 વર્ષના શાસનનો અંત આવ્યો. તત્કાલિન રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ભાગીને મોસ્કોમાં શરણ લીધી હતી.