ભારતમાં નજીકના સમયગાળામાં ફુગાવો વધુ રહેશે પરંતુ સરકારની નીતિ તેને વધુ વધતા અટકાવશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સના અર્થશાસ્ત્રી વિશ્રુત રાણાએ જણાવ્યું હતું. જુલાઇમાં, CPI આધારિત રિટેલ ફુગાવો 7.44% સાથે 15 મહિનાના સર્વાધિક સ્તરે રહ્યો હતો. જેમાં ખાસ કરીને ખાદ્યપદાર્થોની ઉચ્ચ કિંમતો મુખ્ય કારણ હતું. ‘મંથલી એશિયા પેસિફિક ક્રેડિટ ફોકસ’ વેબિનારને સંબોધિત કરતા રાણાએ જણાવ્યું હતું કે ભારતમાં ચોમાસું ખરાબ રહ્યું હતું અને સામાન્ય કરતાં 11 ટકા ઓછો વરસાદ રહ્યો હતો. તે એક ચિંતાનું કારણ બની શકે છે કારણ કે આગામી કેટલાક મહિનામાં તેની અસર અનાજની કિંમતો પર જોવા મળી શકે છે.
સરકારે તહેવારોની મોસમ પહેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 40% એક્સપોર્ટ ડ્યૂટી પણ લાદી છે. સપ્લાય મજબૂત છે અને સરકાર કોમોડિટી, ઘઉં અને ચોખાની કિંમતોને અંકુશમાં લાવવા માટે પગલાં લેશે તે ચોક્કસ છે. સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારીને કેટલાક અંશે ઓછી રાખવામાં મદદ મળશે.