ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે યુએસમાં મજબૂત અર્થતંત્ર તેમજ ફુગાવાના ધીમા દરને કારણે ચાલુ વર્ષે વૈશ્વિક અર્થતંત્રના આઉટલુકમાં સુધારો કર્યો છે તેમજ સ્થિતિસ્થાપક વૃદ્ધિદરનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. 190 દેશોને લોન આપતી એજન્સી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વૈશ્વિક અર્થતંત્ર ચાલુ વર્ષે 3.1%ના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે, જે 2023માં પણ એ જ હતો, પરંતુ તે ગત ઑક્ટોબરમાં વ્યક્ત કરાયેલા 2.9%ના અનુમાન કરતાં વધુ છે.
IMF અનુસાર ફુગાવો વર્ષ 2023ના 6.8%થી ઘટીને વર્ષ 2024માં 5.8% અને 2025માં 4.4% થશે. સૌથી વિકસિત અર્થતંત્રોમાં એજન્સીના અનુમાન અનુસાર ચાલુ વર્ષે ફુગાવો ઘટીને 2.6% અને આગામી વર્ષે 2%ના સ્તરે જોવા મળી શકે છે, જે લક્ષ્યાંક ફેડ રિઝર્વ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે.
મજબૂત ગ્રોથ અને ફુગાવામાં ઘટાડાને કારણે વૈશ્વિક અર્થતંત્રને લઇને આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે અને આગામી વર્ષે (3.2%)નું અનુમાન વર્ષ 2000 થી 2019 સુધીની 3.8%ની સરેરાશથી પાછળ છે. તેનું કારણ એ છે કે ઉચ્ચ ફુગાવાને અંકુશમાં રાખવા માટે ફેડ અને અન્ય સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરોમાં વધારો કર્યો હતો.