લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર પોતાની વિવાદિત ટિપ્પણીને કારણે ઘેરાયા છે. અમેરિકામાં રાહુલે અનામત મામલે નિવેદન આપ્યું હતું, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો હતો. શાહે કહ્યું કે ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ રેબર્ન હાઉસ ખાતે યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. તેમાં ઇલ્હાન ઓમર પણ હાજર હતી. ઈલ્હાન ઓમર સાથેની મુલાકાત બાદ દેશમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ભાજપના ઘણા નેતાઓએ રાહુલની ઇલ્હાન સાથેની મુલાકાત અંગે તેમની ટીકા કરી છે.
કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધતા શાહે કહ્યું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી ન તો કોઈ અનામત ખતમ કરી શકે છે અને ન તો કોઈ દેશની સુરક્ષા સાથે રમત રમી શકે છે. રાહુલ ગાંધીએ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભારત જ્યારે નિષ્પક્ષ દેશ બનશે. ત્યારે કોંગ્રેસ પાર્ટી અનામતને ખતમ કરવા વિશે વિચારશે, અત્યારે નહીં. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રવિરોધી વાતો કરવી અને દેશના ભાગલા પાડવાના પ્રયાસ કરી રહેલી તાકાતો સાથે ઊભા રહેવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને સમર્થન આપવું હોય કે પછી વિદેશી મંચો પર ભારત વિરોધી વાતો કરવી હોય, રાહુલ ગાંધીએ હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.