કમોસમી વરસાદ અને અતિશય તાપમાનને કારણે જીવાતો અને બીમારીઓ વધવાને કારણે સમગ્ર વિશ્વમાં પાકની ઉપજ ઘટી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ) અનુસાર, છોડોની બીમારીથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 18.18 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. પાક પર જીવાતોના આક્રમણને કારણે દર વર્ષે ઓછામાં ઓછું 5.79 લાખ કરોડનું નુકસાન થાય છે. તેનાથી સપ્લાય ઘટી રહી છે અને કિંમતો વધી છે.
હવામાન પણ વધુ પ્રતિકૂળ થવાથી મોંઘવારી વધવાની પણ આશંકા વધી રહી છે. જ્યોર્જ ટાઉન યુનિ.ના એન્ટોમોલોજિસ્ટ લિઆ બુકમેને કહ્યું કે “અતિશય તાપમાનને કારણે સતત બદલતા ક્લાઇમેટ સાથે જીવાત અનુકૂળ થઇ જાય છે. પછી તેજીથી ફેલાય છે. તેનાથી પાકની ઉપજ ઘટી જાય છે. બીજી તરફ મોટા ભાગના દેશ એકબીજાથી જોડાયેલા હોવાથી, પાકમાં જીવાત દ્વારા ફેલાતી બીમારી પણ વધી રહી છે જેના કારણે નુકસાનનું પ્રમાણ વધ્યું છે.