દિવાળીમાં એરપોર્ટ પર મુસાફરોની આવન-જાવન વધારે રહી. નવેમ્બર મહિનો શરૂ થતાં જ હવે હવાઇ સેવામાં વિન્ટર શિડ્યૂલ લાગુ થઈ ગયું છે. રાજકોટ એરપોર્ટ પર સવારના 8.00થી રાત્રિના 8.00 સુધી 12.00 કલાકમાં 11 ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડ થાય છે. જેમાં 5 ફ્લાઇટ મુંબઈ, 4 દિલ્હીની ફ્લાઈટ છે. એ સિવાય મુંબઈ અને ગોવા જવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
હાલમાં ડિસેમ્બર-જાન્યુઆરીના બુકિંગ શરૂ થઇ ગયા છે. જે વિન્ટર શિડ્યૂલ જાહેર કરાયું છે. જેમાં રાજકોટથી મુંબઈ જતી બે ફ્લાઇટ સપ્તાહમાં 7 દિવસ ઊડે છે. જ્યારે અન્ય 3 ફ્લાઈટનું ઉડ્ડયન ડેઈલી હોય છે. રાજકોટ એરપોર્ટ પર સૌથી પહેલી ફ્લાઈટ દિલ્હીની આવે છે. જે સવારે 8.00 કલાકે આવે છે અને 8.25 કલાકે ટેક ઓફ થાય છે. છેલ્લી ફ્લાઈટ પણ રાજકોટ દિલ્હીની જ છે.
જે સાંજે 7.30 કલાકે લેન્ડ થશે અને 7.55 કલાકે ટેક ઓફ થશે. હાલમાં મુંબઇ જવા માટે સૌથી વધુ ફ્લાઈટ છે. આમ છતાં વહેલી સવારની એક પણ ફ્લાઇટ નહિ હોવાને કારણે એક દિવસની મિટિંગ, મુલાકાત, મેડિકલના કામકાજ માટે જતા ઉદ્યોગપતિ, વેપારી અને દર્દી તેમજ તેના સગા-વહાલાને મુશ્કેલી પડી રહી છે.
વહેલી સવારની મુંબઈ જતી ફ્લાઈટ શરૂ થઈ જાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ સહિત તમામ વ્યાપારી સંસ્થાની માગણી છે. જો આ ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો સવારે મુંબઇ ગયા બાદ સાંજે એ જ દિવસ પરત થવામાં સરળતા રહે. હાલ 11 ફ્લાઈટ ઓપરેટ થઇ રહી છે. હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ ફ્લાઈટની ફ્રીક્વન્સી તેમજ અલગ- અલગ દેશની, રાજ્યની ફ્લાઇટની સંખ્યા વધી જતા ઉદ્યોગ- વેપારમાં સરળતા રહેશે અને વિદેશી મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થશે.