સોમવારે નર્મદા નદી ગાંડીતૂર બની હતી. જેને કારણે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પાણી ભરાઈ ગયા હતા. જે પાણી રેલવે ટ્રેક પર પહોંચી જતા ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા. એટલું જ નહીં, ઘણા રેલવે સ્ટેશન પર ટ્રેનો 11 કલાક સુધી મોડી પડી હતી. જે ટ્રેનમાં ફસાયેલા પેસેન્જરોને રેલવેએ ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડી હતી. બાન્દ્રા ગોરખપુર અવધ, લોકશક્તિ સહિતની 13 ટ્રેનો વલસાડ-સુરત વચ્ચે 11 કલા ક સુધી રોકવી પડી હતી. ઉપરાંત શતાબ્દી, તેજસ, વંદે ભારત સહિતની અનેક ટ્રેનો રદ કરાઈ હતી. આમ, ટ્રેનો રદ થતા જ પશ્ચિમ રેલવેએ રિફંડ પણ આપવાનું શરૂ કર્યું હતું. વલસાડમાં અવધ સહિતની 10 મેલ-એક્સપ્રેસ ટ્રેનો 11 કલાક અટવાઈ, ઘણી ટ્રેનો ભેસ્તાન-જંલગાવના રસ્તાથી સુરત આવી હતી.
વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનોની લાઇન લાગી
17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી 18 સપ્ટેમ્બરના બપોરના 12 વાગ્યા સુધી રેલવે વ્યવહારને ખૂબ અસર પહોંચી. ઘણી ટ્રેનોની વલસાડ સ્ટેશન પર લાઈન લાગી હતી. 19037 બાંદ્રા - બરૌની અવધ એક્સપ્રેસ બોઈસર સ્ટેશન પર પહોંચતા જ ટ્રેન પ્રભાવિત થવા લાગી હતી. આ ટ્રેન કુલ 12 કલાકના વિલંબ સાથે સુરત પહોંચી હતી. લોકશક્તિ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોની હાલત પણ આવી જ હતી. ઉપરાંત ટ્રેનોમાં ફસાયેલા મુસાફરોને પાણી અને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.