અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો નવો દોર શરૂ થવાના એંધાણે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે અને ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા, જો કે ભારત પર 25% અમેરિકી ટેરિફનો અમલ સાત દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
એફઆઈઆઈની સતત વેચવાલી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશ પર 25% ટેરિફની જાહેરાત બાદ સપ્તાહમાં અસ્થિરતા બાદ સોમવારે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને એશિયન ચલણોમાં વધારાને પરિણામે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત થયો હતો, જયારે સપ્ટેમ્બર માસમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવા માટે સંમતિ મળતાં ક્રુડઓઇલના ભાવ ઘટીને રહ્યા હતા.