આજથી શરૂ થતા તહેવારોની સીઝનમાં લક્ઝરી પ્રોડક્ટ્સ, કપડાં, સોનું અને મકાનોનું વેચાણ સૌથી વધુ થશે. વૈશ્વિક ટેક્નોલોજી કંપની ધ ટ્રેડ ડેસ્કના અહેવાલ અનુસાર 70 ટકા ભારતીયો આ વર્ષે વધુ ખર્ચ કરવા તૈયાર છે. આવા લોકો ગયા વર્ષ કરતા 35 ટકા વધુ છે. આ ઉત્સાહનું કારણ એ છે કે સર્વેમાં સામેલ 53% લોકો માનતા હતા કે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. પ્રોફેશનલ સર્વિસ નેટવર્ક ડેલોઈટ અને સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ ફર્મ રેડસીરના જણાવ્યા અનુસાર ગયા વર્ષે દોઢ મહિનાની ફેસ્ટિવલ સિઝનમાં ગ્રાહકોએ લગભગ રૂ.3.2 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. આ વર્ષે આ આંકડો સરેરાશ 25 ટકા વધીને 4 લાખ કરોડ રૂપિયાને ક્રોસ કરી શકે છે. આ કોવિડ પહેલા કરતા લગભગ 60 ટકા વધુ છે. 2019ના તહેવારો પર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
સોનું સસ્તું થવાને કારણે ઉત્સાહઃ આ વર્ષે મે મહિનાથી સોનાની કિંમત ઘટીને 61,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. LKP સિક્યોરિટીઝના VP (સંશોધન) જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,તહેવારો દરમિયાન ફિઝિકલ સોનાની માંગ દર વર્ષે વધે છે. આ વર્ષે તહેવારો પહેલા સોનું પણ સસ્તું થઈ ગયું છે. આ કારણે સોનાની ખરીદી માત્ર જ્વેલરી માટે જ નહીં પરંતુ રોકાણ માટે કરશે.
ઓટોમોબાઈલ
SUVની માંગ વધારે છે: ઓટોમોબાઈલ કંપનીઓના સંગઠન SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે કહ્યું કે ઓગસ્ટમાં કારના વેચાણને લઈને ઉત્સાહ વધ્યો છે. દરમિયાન, ચોમાસાના વરસાદમાં સુધારો થયો છે. અમને લાગે છે કે તહેવારો દરમિયાન વેચાણ વધુ વધશે. એસયુવીની માંગ વધુ જોવા મળી રહી છે. ઓટો સેક્ટરમાં મજબૂત ગ્રોથ રહ્યો છે.