રાજકોટમાં બે દિવસથી વરસાદ શરૂ થયો છે જોકે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ લોકોને હાલ પસંદ પડી રહ્યો છે પણ આરોગ્ય તંત્ર મચ્છરજન્ય રોગ વધવાની ભીતિએ મૂંઝવણમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવતા મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડાં મૂકે છે. આ જ કારણે ખુલ્લામાં પડેલા કુંડા, ભંગાર સહિતના સ્થળોએ મચ્છરરોનું બ્રીડિંગ થતું હોય છે. આવું બંધિયાર પાણી ખાલી કરવામાં આવે તો પણ તેની સપાટીએ ઈંડાં ચોંટેલા રહે છે.
આ ઈંડાં ઘણા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. વરસાદ આવે કે પછી પાણી ભરાય એટલે સક્રિય થઈ જાય છે અને થોડા સમયમાં જ લારવા અને મચ્છર બની જાય છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે ખુલ્લા પાત્રો, ભંગાર, ટાયરમાં પાણી ભરાશે. તેમાં ચોંટેલા મચ્છરના ઈંડાં સક્રિય થતા વધુ રોગ ફેલાવી શકશે. જો ભારે વરસાદ આવે તો પાણીનો ભરાવો વધુ થાય તેમજ ઈંડાં પણ વહી જાય જેથી બ્રીડિંગ થતું અટકી જાય.