રાજકોટ બ્રહ્માકુમારીઝ દ્વારા ત્રંબા પાસેના હેપ્પી વિલેજ ખાતે 16 માર્ચે પવિત્ર જીવનયાત્રા મહોત્સવ-મહેકતું ગૃહસ્થ ઉપવનનું આયોજન કરાયું હતું. જે ગુજરાત ઝોન ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતીદીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. બ્રહ્માકુમારીઝ પંચશીલ સેવા કેન્દ્ર અને રવિરત્ન પાર્ક સેવા કેન્દ્રના પવિત્ર જીવન ધારણ કરનારા કુલ 108 તપસ્વીમૂર્ત યુગલોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે બ્રહ્માકુમારી ભારતીદીદી, મુંબઈ સાન્ટાક્રૂઝના મીરાબેન, અમદાવાદ સુખ શાંતિ સેવા કેન્દ્રના અમરબેન, રવિરત્નપાર્કના બ્રહ્માકુમારી નલિનીબેન તેમજ રામકૃષ્ણ મિશનના પ્રણવાર્થાનંદ મહારાજ મંચ પર હાજર રહ્યા હતા.
બ્રહ્માકુમારી આરતીબેને સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારીઝની 137 દેશમાં 8000 શાખા છે. ગુજરાતમાં 500 અને રાજકોટમાં 30 છે. તેમજ બ્રહ્માકુમારી પાર્થવીબેન, તનિશાબેન, પૂજાબેન અને અવનીબેને નૃત્ય નાટિકા રજૂ કરી હતી. મુખ્ય મહેમાન રામકૃષ્ણ મિશનના પ્રણવાર્થાનંદજી મહારાજે કહ્યું હતું કે, પવિત્રતા એ આધ્યાત્મિકતાનો પાયો છે. પવિત્રતાને મહાન ઉપલબ્ધિ ગણાવીને આગળ કહ્યું કે, માત્ર વીર લોકો જ આ પવિત્રતાના કઠિન માર્ગ પર ચાલે છે. બ્રહ્માકુમારી કિંજલબેને ઉપસ્થિતોને નિર્વ્યસની જીવન જીવવા સંકલ્પ લેવડાવ્યો હતો.