રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારની શિક્ષિકાને સંતાનમાં દીકરીનો જન્મ થયાં બાદ પતિ સહિતના સાસરિયાએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને આપણા પરિવારમાં દીકરીનો રિવાજ નથી તેમ કહી પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણીએ મેણાં ટોણા મારતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પતિ અજય પરમાર, સાસુ ઉષાબેન, સસરા ભુપતભાઈ, જેઠ પ્રફુલભાઇ અને જેઠાણી શિલ્પાબેન સામે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
20 વર્ષથી પ્રાઈવેટ સ્કૂલ-ટ્યુશનમાં કામ કરીને બંને દીકરીઓનું ભરણપોષણ કરતી હતી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની 26 વર્ષની મોટી દીકરી સાથે રહે છે, જયારે 21 વર્ષની નાની દીકરી દહેરાદૂન ખાતે અભ્યાસ કરે છે. પોતે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પતિ અજય ભુપતભાઈ પરમાર સાથે તા.21.01.1998ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવનના બે વર્ષનો સમયગાળો સરખો વીત્યા બાદ સંતાનમાં દીકરીનો જન્મ થતા પતિ તથા સસરા ભુપતભાઈ પરમાર, સાસુ ઉષાબેન, જેઠ પ્રફુલભાઈ, જેઠાણી શીલ્પાબેનના વર્તન બદલાઈ ગયું હતું.
પતિ સમય આપતા ન હતા અને ઘર ખર્ચના પૂરતા પૈસા પણ આપતા ન હતા તેમજ દીકરીને ઉછેરીને મોટી કરવાની જવાબદારી મારા પર મૂકી દીધી હતી. જેથી, પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરુ કરી હતી. બાદમાં સંતાનમાં બીજી દીકરીનો જન્મ થયો હતો. જે બાદ પતિ તથા સાસરીયાનો ત્રાસ વધતો ગયો હતો અને બંને દીકરીની જવાબદારી તેમના પર આવતા છેલ્લા 20 વર્ષથી પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરી તથા સાંજના પ્રાઈવેટ ટયુશન કલાસ કરાવી પોતાનું અને બંને દીકરીનુ ભરણપોષણ કરે છે.