બેકાબૂ મોંઘવારીને કારણે ઘણા દેશોમાં સામાન્ય લોકોની કમર તૂટી રહી છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં તો લોકોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે કરિયાણા અને ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોમાં ચોરીઓ ઝડપથી વધી છે. કેટલાક વિસ્તારોમાં તો ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. અને લોકો ખુલ્લેઆમ કોઈ પણ ડર વિના સ્ટોર્સમાંથી માલસામાનની ચોરી કરી રહ્યા છે.
એકંદરે સ્થિતિ અસ્તવ્યસ્ત બની રહી છે. રિટેલ વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર સંગઠિત ગુનેગારો દ્વારા લૂંટ અને ચોરીના કારણે બંને દેશોમાં એક વર્ષમાં 72 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ગ્રોસરી ચેનમાં એક નોર્થ આઇલેન્ડની ફૂડસ્ટફ્સે ઓગસ્ટમાં સ્ટોરના ફૂટેજ જાહેર કર્યા હતા. જેમાં લોકો કોઈ પણ શરમ રાખ્યા વગર ચોરીઓ કરી રહ્યા છે.
નિષ્ણાતો જણાવે છે કે આ ઘટનાઓ વધતી જતી મોંઘવારીને કારણે લોકોને પડી રહેલી સમસ્યાઓને પણ ઉજાગર કરે છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી દ્વારા ઑગસ્ટના એક સર્વેક્ષણ મુજબ લગભગ 30 ટકા ઓસ્ટ્રેલિયનોને તેમની આવક પર જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. લોકો કરિયાણા અને જરૂરી વસ્તુઓ પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં કાર્યરત ક્રાઈમ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ઓરેરના સહ-સ્થાપક અને સીઈઓ ફિલ થોમસન કહે છે કે સ્ટોર્સમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થવાથી સંગઠિત ગુનેગારો માટે ખાદ્ય પદાર્થો અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓની ચોરી કરવાની તકો વધી છે.